ઈરાદા રહે છે

Comments Off on ઈરાદા રહે છે

 

છૂટે  શ્વાસ  પાછળ  ઈરાદા  રહે   છે,
ફક્ત  આંસુઓના  દિલાશા   રહે  છે.

વહી જાય જળ રેત   પરથી   સમયનું,
ને   વેરાન   ખાલી   કિનારા  રહે   છે.

ઘણી   વાર  એવું   બને    પ્રેમમાં   કે,
અઢી શબ્દ   સાથે  નિસાસા  રહે  છે.

લખે જાત બાળી ગઝલ ને  છે  શક્ય,
શબદમાં ઝખમના તીખારા   રહે  છે.

હથેળી   ધરી   હુંફ   આપી  શક્યાના,
છબીમાં સ્વજન બસ બિચારા રહે છે.

-ડો.પરેશ સોલંકી.

સ્વર : રિયાજ મીર
સ્વરાંકન : ડો ભરત પટેલ

સપનાનું ઘર હો

Comments Off on સપનાનું ઘર હો

 

 

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો….

ગગનમાં સિતારાઓ ચમકી રહ્યા છે,
ધરા પર એ આપણને તાકી રહ્યા છે.
રમતિયાળ ચાંદાને ખોળામાં લઈને,
જુઓ વાદળો વ્હાલ વરસી રહ્યા છે.

ઋતુઓ બધી અહીં એકસાથે આવે,
દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,
મીઠું મીઠું એ સતાવે.

આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો….

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.

ગગન હું ધરા તું,જરા હું જરા તું,
નદીમાં ભીંજાતી કોઈ અપ્સરા તું
છે સપનું અધુરું, છતા બહું મધુરું,
મળે સાથ તારો તો થઈ જાય પૂરું.

સાથ દઈશ હું તુજને સફનમાં,
તારો બનીને સદા રહીશ જીવનમાં,
હો જેમ પંખી ગગનમાં.

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.

– મુકુલ ચોકસી

સ્વર :સાધના સરગમ
સ્વરાંકન : મેહુલ સુરતી

અરજ વિનવણી આજીજી ?

Comments Off on અરજ વિનવણી આજીજી ?

 

 

અરજ વિનવણી આજીજી ?
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

તમે કહો તે ઓઢું – પહેરું, તમે કહો તે સાચું
મધ – કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું
તમ કાજે લ્યો ! વસંત વેડું તાજી જી !
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

ઝાકળનાં પાથરણે પાડું, સુગંધની ખાજલીયું
વ્હાલપથી નિતરતી રસબસ બંધાવું છાજલીયું
હરખે હરખે હારું રે ભવબાજી જી !
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

– સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

…. ઊંઘવા દેતું નથી.

Comments Off on …. ઊંઘવા દેતું નથી.

આંખ પર તોળાતું ભારણ ઊંઘવા દેતું નથી.
જાગતા રહેવાનું ડહાપણ ઊંઘવા દેતું નથી.

હાંફ લઈને ,થાક લઈને હું સતત દોડ્યા કરું,
આંખમાં ઊગેલું એક રણ ઊંઘવા દેતું નથી.

ભૂખની માફક સતત ખખડયા કરે છે રાતભર,
ઝૂંપડીને ખાલી વાસણ ઊંઘવા દેતું નથી.

યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે શસ્ત્રો પણ સૂતાં જ છે!
પણ હજુ અંદરનું ‘હણહણ’ ઊંઘવા દેતું નથી.

જીવ ચોંટયો છે હજુ ખીંટી ઉપરના ચીંથરે!
કે નવું નક્કોર પહેરણ ઊંઘવા દેતું નથી.

ફૂલનો એક છોડ મોટો થઈ રહ્યો છે આંગણે
ત્યારથી આ ઘરને પ્રાંગણ ઊંઘવા દેતું નથી.

હોય છો મખમલ મુલાયમ રાત તો ભૈ રાત છે,
કોઈને આ કાળું કામણ ઊંઘવા દેતું નથી.

કારણો ‘ને તારણોમાં અન્યને શું દોષ દે!
જાગવા લીધેલું ખુદ પ્રણ ઊંઘવા દેતું નથી.

બે તરફ પડખાં ફરીને આખરે માલૂમ પડે,
હાથનું લીધેલું ટેકણ ઊંઘવા દેતું નથી.

વાત આવીને ફરીથી ત્યાંજ અટકી જાય છે,
વારતાનું છેલ્લું પ્રકરણ ઊંઘવા દેતું નથી.

થઈ ઉલા-સાની-ઉલા-સાની-ઉલા-સાની-ઉલા,
બન્ને મિસરાનું આ વળગણ ઊંઘવા દેતું નથી.

-જુગલ દરજી

ગઝલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવેલી ગઝલ
નિર્ણાયક શ્રી – Snehi Parmar
આયોજન- ગઝલ સંપદા

Newer Entries

@Amit Trivedi