આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો

Comments Off on આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો

 

આભને ઝરૂખે માડી તારો દીવડો પ્રગટાવ્યો
હું તો સૈયર સંગે ગરબે ઘુમતી..

શ્રીફળ વધેરું માડી કંકુ ઉડાવું
મઘમઘતા માડી તને ફૂલડા ચઢાવું

તારી ભકિતનો રંગ એવો લાગ્યો..
આભને ઝરૂખે..

આશા કેરા સાથિયા પૂર્યા મેં તો આજે
ઘુંઘરુ ને ઘંટા માડી ઢોલ રે બાજે

શ્રધ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો
આભને ઝરૂખે…

પૂજા કરું હું માડી પરદેશે તારી
શમણાં ઉછેરું તારા પર જાઉં વારી

મનની અટારીએ પવન કેવો આવ્યો
આભને ઝરૂખે…

  • ભરત વૈદ્ય સ્વર :સોનાલી બાજપાઈ

રાધા બોલાવે અને કાનો ન આવે

Comments Off on રાધા બોલાવે અને કાનો ન આવે

 

રાધા બોલાવે અને કાનો ન આવે

એવું બને કાંઇ વ્રજમાં, ઓધવજી ?

જૂવે ગોકુળિયું ગામ, લખું કહાનાનું નામ
કાંઠાની રજમાં , ઓધવજી – રાધા બોલાવે..

પૂનમની આવી રાત,મોકળી મેલી જાત,
થાય નહીં એનું પરભાત રે

આભલામાં ચાંદલો છે, ઘેલો મારો માંયલો છે
ચૂંદડીમાં તારલાની ભાત રે – રાધા બોલાવે..

સજ્યો શણગાર ખાસ, સંગાથે રમું રાસ,
આવ હવે આવ મારી પાસ રે

ઢોલ તણા બોલ જાણે, દઇ રહ્યા કોલ આજે
રેલે કદંબની સુવાસ રે – રાધા બોલાવે..

મોરપીંછ જોઉં ને રાધાની ઓઢણી રહી રહીને આવે છે યાદ
રાધા વિનાનો આ ક્હાનો તે હોય ઓધા,
રોકે ના સોનાનો સાદ

રંગોની સંગ સંગ આવું ઉમંગભેર
રાધા, તું જોજે મારી વાટ

સંગ સંગ રંગભર રાસે રમીશું આજ
પડવા નહીં દઇએ પ્રભાત

રમું રગ રગ સંગ સંગ રાસ (૨ર)

  • તુષાર શુક્લ

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે

Comments Off on હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…

હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું… કાપજે રે જી………

માનવીની પાસે કોઈ….માનવી ન આવે…રે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કે’જે…રે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

વાતું એની સાંભળીને…આડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

‘કાગ’ એને પાણી પાજે…સાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો… આપજે રે….જી….

– દુલા ભાયા ‘કાગ’

સ્વર : પ્રફુલ્લ દવે

સોળ વરસની અજાણ ઉંમર

Comments Off on સોળ વરસની અજાણ ઉંમર

સોળ વરસની અજાણ ઉંમર ને સાવ અજાણી કેડી
કોઈક અજાણ્યું ઘર ને એની સાદ પાડતી મેડી ..

આજુબાજુ કશું ના જોઉં પંથ પર ફૂલ પડ્યાં કે કાંટા
સાવનની હું થઇ બદરિયા। ઝરતી ઝીણા છાંટા
ક્યાંક રોપવા જાઉં જાતને મૂળથી મને ઉખેડી ..

ક્યાંક હવાના છોડ ઝૂલે છે પરસે મને સુગંધી
આજે હું છલકાઉં એટલી, હું નહીં મારામાં બંદી
કરનાં કંકણ, પગનાં નેપૂર, વરમાળા: નહીં બેડી ..

કવિ: સુરેશ દલાલ

સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા
સ્વર :અમર ભટ્ટ

છે સડક, દોડી શકાશે

Comments Off on છે સડક, દોડી શકાશે

 

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે
થાંભલો, આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

  • ચિનુ મોદી ‘ઇર્શાદ’

સ્વર : ડૉ. ફિરદૌસ દેખૈયા
સ્વરાંકન : ડૉ. ફિરદૌસ દેખૈયા

Newer Entries

@Amit Trivedi