સાવ નોંખી ધૂળના માણસ

Comments Off on સાવ નોંખી ધૂળના માણસ

રાજ લખતરવી

સાવ નોંખી ધૂળના માણસ અમે.
આશિકોના કૂળના માણસ અમે.

થઈ ગયા છઈ ફૂલના હમણાં ભલે,
મૂળ તો છઈ શૂળના માણસ અમે.

બોલવાના, પાળવાના કૈં નહીં,
ક્યાં હતાં રઘુકૂળના માણસ અમે.

થઈ ગયા દાનવ સમય સંજોગથી,
દેવ જેવા કૂળના માણસ અમે.

‘રાજ’ સોનાના હતા સતયુગ મહીં,
કળિયુગે તો ધૂળના માણસ અમે.

-રાજ લખતરવી

સ્વર : પિયુષ દવે
સ્વરાંકન : ડો ભરત પટેલ

રાધાની વેદના તો દુનિયા એ જાણી

Comments Off on રાધાની વેદના તો દુનિયા એ જાણી

રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી
હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી

રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવના ખોલે કંઈ વાણી
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી

માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી
ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી

રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજ થી અજાણી
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?!

એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી
“શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?

-ઇન્દિરા બેટીજી

સ્વરઃ કલ્પક ગાંધી
સ્વરાંકન :કલ્પક ગાંધી

મેઘા રે ઘનઘોર થઈ વરસો

Comments Off on મેઘા રે ઘનઘોર થઈ વરસો

નરસિંહ મહેતા ની રચના પાર્થિવ ગોહિલ ના સ્વરમાં

વ્હાલપનું વાદળ વરસે ને

Comments Off on વ્હાલપનું વાદળ વરસે ને


રક્ષા શુક્લ

વ્હાલપનું વાદળ વરસે ને તારાનું ટમટમતું અચરજ
ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

નરસીં જાણે ધૂવ તારક ને મીરાંબાઈ છે મીનપિયાસી,
પાઘડિયુંના વળની વચ્ચે શોભી ઊઠે ગુર્જરવાસી.
કૃષ્ણ-સુદામો કરે ગોઠડી, લળી લળી ઝાંખે સૌ દાસી.
મા ગુર્જરથી થાકું તો ખોળો પાથરતી હિન્દી માસી.

ત્રિલોક થંભે, ખમીર છલકે, ડણકું દે જ્યાં ગીરમાં સાવજ,
ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

રેતીના દરિયા વચ્ચે એ હાથ-હલેસાં લઈ તરવાનો,
ગુજરાતી મીઠ્ઠી બાની બોલે એવી જાણે પરવાનો.
‘હું જ પુરાતન, હું જ સત્ય’ કહી ઊજળા એ શ્વાસો ભરવાનો,
દરિયાદિલ ગરવો ગુજરાતી રુદિયામાં આસન ધરવાનો.

વણજ અને વેપારે છે ગુજરાત મોખરે, સૌમાં દિગ્ગજ.
ગુજરાતીના ગગન વચાળે અઢળક ચાંદા, અઢળક સૂરજ.

-રક્ષા શુક્લ

સ્વરઃ ડો ફાલ્ગુની શશાંક
સ્વરાંકન : ડો ફાલ્ગુની શશાંક
સંકલન : હરદ્વાર ગોસ્વામી

ટપકે છે લોહી આંખથી

Comments Off on ટપકે છે લોહી આંખથી

 

 

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં
કાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં

આપણને આદિ કાળથી અકળાવતું હતું ઐ
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં

પૂનમ ગણીને જેમની પાસે ગયો હતો
એ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં

‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં

– અમૃત ઘાયલ

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : અમર ભટ્ટ

Older Entries Newer Entries

@Amit Trivedi