રાજ લખતરવી
 
શબ્દની   જાળમાં ફસાયો   છું !
અર્થની   ભેખડે    ભરાયો   છું.

રોજ  સામા  પૂરે  તરૂં   છું  પણ
લાગણીમાં    કદી   તણાયો છું!

કૈં   નજર  નાંખ  હાલ પર  મારા
ઓ હ્રદય હું ય ક્યાં પરાયો   છું!

રેશમી   કોઈ    ઝૂલ્ફની    લીસી
ગાંઠ     છૂટીને    ગુંચવાયો   છું

હું ય ઓ દોસ્ત! કોઈ કમખામાં,
મો૨ની    જેમ   ચિતરાયો   છું!

દ્વાર  જેવો  છું  હું  શિવાલયનાં
એટલે   ક્યાં   કદી   વસાયો  છું.

‘ ૨ાજ’ મારો છે કૈં જુદો વણકર
હું   અલગ  રીતથી  વણાયો છું !
 
-રાજ લખતરવી