તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,
બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,
નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહીંતર કાં એની લાશને તરવાનું મન થયું.
 
-અમર પાલનપુરી.
 

સ્વરઃ આલાપ દેસાઈ
સ્વરાંકન :ગૌરાંગ વ્યાસ