સારા થઈને થાક્યા જીવલા
હેંડ હવે બગડી જઈએ
ઊંચા ભાવે ખૂબ ઠગાણાં
હેંડ હવે ગગડી જઈએ

કર્યાં હોજરાં ખાતર જીવલા
પેટ વલોયા ઊણાં
પાડ્યાં તનનાં તેલ બાપલા
કરમ ન પડ્યાં કૂણાં

પત્યું હવે તો ફોલ્લા થઈને
હેંડ અલ્યા તતડી જઈએ
સારા થઈને થાક્યા જીવલા
હેંડ હવે બગડી જઈએ

હાંલ્લાં થઈને ફૂટ્યાં લલવા
નળિયાં થઈને ચૂયાં
કદીક કોડિયાં થયાં કાજળવા
ઈંટ્યો થઈ રૂંધાયાં

હેંડ્ય હવે તો પકવનાર પાકે
એવું ભભડી જઈએ
સારા થઈને થાક્યા જીવલા
હેંડ હવે બગડી જઈએ
 

-ભાનુપ્રશાદ ત્રિવેદી
 
સ્વર : રાસબિહાર દેસાઈ
સ્વરાકંન : રાસબિહાર દેસાઈ