નૂતનવર્ષાભિનંદન
 
‘માનવ છું હું’ એ સમજણનો દિલમાં દીવો થાય,
એને નવું વર્ષ કહેવાય.
દસ માથાળા ‘હું’ ના થોડાં માથા ઓછા થાય,
એને નવું વર્ષ કહેવાય.

મનના ખૂણે ખૂણામાં જો ઝાપટ-ઝુંપટ થાય,
એને નવું વર્ષ કહેવાય.
રાગ દ્વેષના ઝાળાં-કચરાં તળિયાઝાટક થાય.
એને નવું વર્ષ કહેવાય.

જોઈ અજાણ્યાંની પીડાને આંખો જો ભીંજાય,
એને નવું વર્ષ કહેવાય.
તેનાં હોઠે મારાથી જો મરકલડું મુકાય,
એને નવું વર્ષ કહેવાય.

પાડોશીના સુખથી હૈયું સાચૂકલું હરખાય,
એને નવું વર્ષ કહેવાય.
લાલચની કેડી છોડી, પગ સન્માર્ગે ફંટાય.
એને નવું વર્ષ કહેવાય.

શુભ વગરના લાભથી મન જો જરાય ના લલચાય,
એને નવું વર્ષ કહેવાય.
જીવન મારું જોઈને જો ઈશ્વર રાજી થાય.
એને નવું વર્ષ કહેવાય.
 
કિશોર બારોટ