અનંત વ્યાસ

 

નવા રંગ રૂપે આ નવલી સવારે
હૃદયને હૃદયથી હૃદય આવકારે
નવું વર્ષ સૌને મુબારક મુબારક
ચમકજો સદા જેમ આભે હો તારક…

ભૂલો-દોષ જે જે થયા હોય કાલે
જીવનભર નહીં તો રટન એનું સાલે
અને બોજ એનો ન ઊંચકી શકાશે
તમારાથી ભરચક ન જીવી શકાશે
મહોબતનો સરતાજ લઈ એ પધારે
ખુશીથી ઊભા હો તમે રંગ દ્વારે… (૧) નવા રંગ

નથી કાલની કોઈ ઝાંખી થવાની
ઘડી આજ જેવી ન મ્હેકી જવાની
ખબર કોઈને કયાં ઢળે સાંજ કેવી
પળો મસ્ત માણો સદા આજ જેવી
પરમ વૈભવો હોય એના ઈશારે
કૃપા દૃષ્ટિ પામો તમે ધોધમારે… (૨) નવા રંગ

વિચારો મુજબનું મળો દોસ્ત જીવન
બને આંગણું નિત્ય હો સ્વર્ગ–ઉપવન
શુભેચ્છા શુભેચ્છા શુભેચ્છા હજારો
નિહાળો નિરંતર નવાબી નઝારો
પ્રગટતા રહે પ્રેમ પુષ્પો એ કયારે
તમે પારદર્શક જો જીવ્યા હો જયારે.. (૩) નવા રંગ 

 

– દિલીપ જોશી 

 

સ્વર : અનંત વ્યાસ,સમૂહ
સ્વરાંકન : શ્વેતકેતુ વોરા,અનંત વ્યાસ.
સંગીત : રાજેશ વ્યાસ