ખાલીપો ખખડે છે મારા રામનો હો..જી..
ખાલીપો ખખડે છે તારા નામનો હો.. જી..

નામ તારું ચાકડે ચડાવ્યું અમે એવું
એના ઉતાર્યા કૈં એવા તેવા ઘાટજી
મેલું ઘેલું લોક; વેરી વશવા’ની મૂડી
એને ચોપડે ચડાવ્યું છે અઘાટ જી.
-ખાલીપો ખખડે છે

નામ તારું ચોકમાં વટાવ્યું એવી પાણે
એનાં ઊપજ્યાં સવાયાં – દોઢાં દામજી
મૂળગી ખોવાણી એ તો જગની ખોવાણી;
પૂરણ, અમે તો સરાવ્યાં શૂરાં કામ જી.
– ખાલીપો ખખડે છે

નામ તારું મોતીએ મઢાવ્યું રૂડી રીતે
પ્રીતે બાવલાં બેસાડ્યાં ધરમી ધામ જી.
ખાંતે કરી ખેડી ખાશું, નામ તારું વેડી ખાશું,
સતને ઓવારે ઠરજે ઠામ જી

ખાલીપો ખખડે છે મારા રામનો હો..જી..
ખાલીપો ખખડે છે તારા નામનો હો.. જી..
 
– હરિકૃષ્ણ પાઠક
 
સ્વર: ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ