દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ને
કેમ કરી તમને એ ફાવશે,
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે?

કેવું બપોર તમે વાંસળીના સૂરમહીં
વાયરાની જેમ હતા ઠારતા,
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પડે
પાદરની વાટે મઠારતા.

મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ હવે
સોનાનો ભાર એવો લાગશે,
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે!

માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા ને
ક્યાંક વળી કરતા ઉદારતા,
ગોવર્ધન જીતવા છતાંય એક રાધાની
પાસે અનાયાસે હારતા.

રાજતણી રમતોમાં નહીં ચાલે હારીને
જીતવાનું ઠેરઠેર આવશે,
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે!

ગોપીઓના ગોરસની ગાગરને તાકતા ને
ગામ બધે ગોફણ ગજાવતા,
ગમતું તોફાન આમ ઉરમાં જગાવતા ને
આમ તમે લગની લગાવતા.

છલકાતી લાગણીઓનાં રૈ જાશે માપ અને
તોલવાનું તલતલથી આવશે,
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે!

 
-મહેશ શાહ
 
સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન :પુરુષોત્તમ ઉપાધ્યાય