ઝૂલતો પુલ ! ! !
(મોરબી 30-10-2022)

અમથો નથી હું કાંઇ તૂટ્યો !
જર્જર થઈ ગ્યો’તો મારો દેહ તે છતાયે
મને ટીકીટે ટીકીટે લૂંટયો.
અમથો નથી હું કાંઇ તૂટ્યો !

નહિંતર આ છાતી પર રમતા ને ઝૂલતા ઇ પગલાં ને મારે શું વેર ?
કાટ ખાઈ ખાઈને હું કાકલૂદી કરતો પણ સાંભળે તો શેનું અંધેર ?

ઉપરથી રંગ રૂપ બદલ્યે શું થાય ? જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટ્યો ?

અમથો નથી હું કાંઇ તૂટ્યો !

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઇટ
આજે સમજાયું તમે કરતાં હતા ને આવા ગોઝારા દિવસનો વેઇટ ?

મચ્છુના પાણીને પૂછો જરાક્ જીવ બધ્ધાનો કઈ રીતે છૂટ્યો ?

અમથો નથી હું કાંઇ તૂટ્યો !
 
કૃષ્ણ દવે.
 
તા-2.11.2022