દર્પણ-શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

ચહેરો તો ઠીક, એક જેવોતેવો ય
નથી પડછાયો સાચવી શકાયો
ભ્રમણાનો સૂર્ય તો ય એવો તપે
કે ફૂંક મારું એનો ય પડે છાંયો

મારા વગડાઉ હાથ ફંફોસે ફૂલ અને આંગળીઓ વીંધાતી શૂળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

એવો તો રોજરોજ બળતો અવકાશ લઈ
શેરીમાં વાયરા ફૂંકાયા
ઘરમાં હતા એ બધા ઝળહળતા આયના
પાણીની જેમ રે સુકાયા

કેવું થયું કે મને હું યે ન ઓળખું કે ઓળખે ન કોઈ ગોકુળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં.
 
– રમેશ પારેખ
 
સ્વર : નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની