લાકડીથી ચાલવું ને ચોકઠાથી ચાવવું ને ચશ્માથી ઝાંખભર્યું જોવું,
જીવતરના ફાટેલાં ગાભાને શ્વાસોથી સાંધવાનું નામ ‘મારું હોવું’

તળિયાથી ટોચ લગી જીવ ઉપર આવી ઝઝૂમવાનો અર્થ બીજો શું?
ખખડેલાં ફેફસાંને તળિયેથી ઊખડીને ગળફાનું થવું ‘હાક..થૂં’
મોતી તો શું જેમાં મીઠું ના ઊપજે, એ દરિયાનું પાણી વલોવું,
જીવતરના ફાટેલાં ગાભાને શ્વાસોથી સાંધવાનું નામ ‘મારું હોવું’.

દિવસનું નામ હવે ધ્રૂજવું ને હાંફવું ને ડગમગવું, કળતર ને થાક,
રાત પડે રણના ચોમાસાની જેમ, આવે આંખોમાં નિંદર જરાક,
સુકકાતાં ઝાડવાની છેલ્લી એક ડાળખીથી એક પછી એક પાન ખોવું.
જીવતરના ફાટેલાં ગાભાને શ્વાસોથી સાંધવાનું નામ ‘મારું હોવું’
 
– કિશોર બારોટ