તમારાથી તમને મિલાવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?
તમે કહેવા માંગો એ બોલી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

સૂની સાંજે બારીનાં એકાંતને, સ્મરણ ન્હોર મારીને ઘાયલ કરે,
ત્યાં એકાદ પંક્તિ મલમ થઈ શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

અચાનક સમંદરનાં તોફાનમાં, તમારી ડૂબે નાવડી જે ઘડી,
હલેસામાં જુસ્સો ટકાવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

અગાસીમાં વરસાદ જોયા પછી, જૂની કોઈ વરસાદી પળ મૂંઝવે,
તરત તમને એ પળમાં લઈ જઈ શકે,કવિતાથી બીજું તો શું થઈ શકે?

કદી સાંજ પહેલા ડૂબે સૂર્યને, બધે ઘોર અંધાર અંધાર હોય,
તો આંખોને જુદી નજર દઈ શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

જગત રાગ ને દ્વેષની આગમાં, કદી લોહીલુહાણ જોવા મળે,
એ માણસ ને માણસ બનાવી શકે, કવિતાથી બીજું તો શું થઈ શકે?

-ગૌરાંગ ઠાકર