આજ સખી એણે આંખલડીના કાજળની કરી ચોરી
જમુનાના જલ, ભરવા આજે મારગ લીધો ધોરી
મેઘ નથી નીતરતો તોય કેમ નથી રહી કોરી…..

એકલડી હું ઊભી હતી ત્યાં, બોંય ધરી મચકોરી
રીસ કરું ત્યાં, રોષ કરી એણે, દૂર કરી તરછોડી
પાછળ પાછળ ભાન ભૂલી હું દોડી ગઈ મન દોરી…..

ગાગર મારી બેઉ હતી એને ફોડી કરી શિરજોરી
ગોરા છો પણ શ્યામ બનાવું લાગો ન રાધા ગોરી
એમ કહી, ગભરાવી મ્હારા, કાજળની કરી ચોરી……

આજ સખી કહું અંતરની ગત એણે કરી બરજોરી
હોઠના અમૃત પીને એણે પીધી નયન કટોરી
પીતાં પીતાં કાજળ ચોર્યાં, પ્રાણ દીધા સંકોરી..

કેમ કરી કહું શામળિયાના હોઠની ઉપર થોરી
આંખની કીકી જેવી કાજળ ગાલ પરે ટપકોરી
એ જ ઘડી સખી વાયક સૂણ્યું તું અખિયન છો મોરી
 
-ચંદ્રવદન ચી. મહેતા
 
સ્વરઃ કાજલ કેવલરામાની અને આનતિ શાહ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા