તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો
ફૂલોની ફોરમનું ગીત એક ગાઈ ગયો
ગાઈ ગયો, ગાઈ ગયો.

આકાશી લાલીથી પારસની પ્યાલીથી
પચરંગી અમરત સંતોષ મને પાઈ ગયો
પાઈ ગયો, પાઈ ગયો.

તમને જોયા ને જરા…

દર્શનના દરબારે અધવચ અંજાઈ ગયો
વાંચી મેં આંખડી તો પંજો વંચાઈ ગયો
રસ્તામાં પવન કોઈ વરણાગી વાઈ ગયો
વાઈ ગયો, વાઈ ગયો.

રસ્તે રોકાઈ ગયો…

જંતરના ઝણકારે, પન્નાના પલકારે
ઠકરાતી ઠોકર હું ચાલમાં જ ખાઈ ગયો
ખાઈ ગયો, ખાઈ ગયો.

તમને જોયાને જરા…

શ્રાવણની સરગમથી તડકો ભીંજાઈ ગયો
મારગની વચ્ચે ક્યાં મારગ ઢંકાઈ ગયો
મેહુલીયા મંડપમાં મહુવરીયો છાઈ ગયો
છાઈ ગયો, છાઈ ગયો.

તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો
ફૂલોની ફોરમનું ગીત એક ગાઈ ગયો
ગાઈ ગયો, ગાઈ ગયો.

-વેણીભાઈ પુરોહિત
 

સ્વરઃ મન્ના ડે અને પ્રીતિ સાગર
સંગીતઃ સુરેશકુમાર
 
ચિત્રપટઃ ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૭૨)