મનાવી   ના   શકે  તું   એ   રીતે   ક્યારેય  નહીં રૂઠું
છતાં   માનું   નહીં   તો  માનજે   એ   રુસણું  તું જૂઠું. 

ઉઘાડો   તો  ખબર   પડશે   છે  પાનાં  યાદનાં કેવાં ?
ઉપર  તો   માત્ર   દેખાશે  સદા  બરછટ , કઠણ   પૂંઠું 

દીવાલો   ફાડીને  જો    પીપળો    ઊગી  શકે  છે  તો
કદી  શું    કોઈ   મોસમમાં   નહીં  પર્ણાય   આ  ઠૂંઠું?!

સરાણે   શ્વાસની   કાયમ  અમે  શબ્દોની   કાઢી  ધાર
ફક્ત   એ   કારણે   કે    કાવ્ય  કોઈ   ના    રહે   બૂઠું.

અને  એકાદ  દિવસે  ઊંઘ  થોડી  લાં …બી થઈ જાશે ,
મને    ઊઠાડવાને    માટે   મથશે   તું , નહીં    ઊઠું !

–  વિવેક મનહર ટેલર