ગઢને હોંકારો તો
May 03
ગીત Comments Off on ગઢને હોંકારો તો
[wonderplugin_audio id=”261″]
ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.
આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ
કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.
પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.
– રમેશ પારેખ
સ્વર : ઓસમાણ મીર