ચિત્ત તું શીદને ચિંતા ધરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ જઠથી ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જનમ જનમના પાપ હરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

નવ રે માસ રહી ગર્ભમાં પ્રાણી કૃષ્ણચંદ્ર નું ધ્યાન ધરે;
માયાનું જ્યાં કર્યું આવરણ , લખ ચોરાશી ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

દોરી સૌની હરને હાથે ,એને ભરાવ્યું તે ડગલું ભરે;
જેવો જંત્ર વગાડે જંત્રી તેવો તેનો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે !

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સાચેને દુઃખ હરે;
રાખ ભરોસો રાધાવરનો, જીવ હવે તું શીદને ડરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !

-દયારામ

સ્વર : સચિન લિમયે