બસ એટલી સમજ મને પરવરદિગાર દે
Aug 05
ગઝલ Comments Off on બસ એટલી સમજ મને પરવરદિગાર દે
[wonderplugin_audio id=”315″]
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર. ઈખ્તિયાર દે.
આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન. દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમનેે. નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
– મરીઝ
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય