જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે
Aug 21
ગઝલ Comments Off on જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે
[wonderplugin_audio id=”324″]
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે
જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે. કંઈ તું આપશે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં
નહોતી ખબર કે દર્દનું વાચન બની જશે
તારો સમય કે નામ છે જેનું ફક્ત સમય
એને જો હું વિતાવું તો જીવન બની જશે
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
– મરીઝ
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય