પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વ્હેંત વ્હેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને તો ચઢી ગઈ ખાલી રે…

સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છાપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે…

– અનિલ જોશી 


સ્વરાંકન : કલ્પક ગાંધી 
સ્વર : પ્રગતિ ગાંધી