પહેલે વરસાદે, કેમ કરી પામવા
Jun 23
ગીત Comments Off on પહેલે વરસાદે, કેમ કરી પામવા
[wonderplugin_audio id=”445″]
પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઇ લઉં
વાદળ ને વીજના રુઆબ.
વહેલી સવારથી ઘેરાયું આભ અને
આભમાં વરતાયું આષાઢી કહેણનું
વણછુટ્યું બાણ;
ઊભા રહો તો, રાજ, માણી લઉં બે ઘડી
આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં મેઘભીનાં વેણનાં
રૂમઝૂમતાં વહેણ;
ઊભા રહો તો, રાજ, પૂછી લઉં કાનમાં
વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે, રાજ, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ.
– નીતા રામૈયા
સ્વર : રેખા ત્રિવેદી
સ્વરાંકન : સુરેશ જોશી