આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
Jul 08
ગીત Comments Off on આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
[wonderplugin_audio id=”460″]
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તે એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામમાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે-
જાણે કે છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઈ દિવસ કોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
– મનોજ ખંડેરિયા
સ્વર : આરતી મુખરજી
સ્વરાંકન : અજિત શેઠ