તમે ગાયા આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તો એવડા તે કેવડા
જે મારું છે ચાલ કહી ગજવામાં ઘાલીએ

જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત કહો મારા કહેવાય કઇ રીતે
અમને અણદીઠ હોય
સાંપડ્યું કે સાંપડી હો પીડા એવી કે સહેવાય નહીં
એટલું જ હોય અને એટલાક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં

અમે આપ્યા જે દેવકીની રીતે
તે ગીત હવે મારાં કહેવાય કઈ રીતે

– ધૃવ ભટ્ટ

સ્વર: શબનમ વિરમાણી