આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં ઝીલાયો,આછો જાગમાં ઝીલાયો.
ખરબચડાં આંસુથી જીવણ રોયો રે તને.

જાળિયે ચડીને અમે ઝૂલણતું દીઠું કાંઈ
ફળિયે મોંસૂઝણાનું ઝાડ
અમે રે જીવણ બંધે પરબીડિયું ને,
તમે કાગળની માહ્યલું લખાણ.
મારા વેણના અભાવે જીવણ, મોહ્યો રે તને.

ઘાસની સળીય ભોંય વીંધતી ઊગે રે,
એવું અમને તો ઊગતાં ન આવડ્યું.
ઓછા ઓછા અડધેરી છાતીએ ઊભા’ર્યા પછી
આપ લાગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.

– રમેશ પારેખ

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન: અમર ભટ્ટ