ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા

આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસ
ચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસ
ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ
રામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ

લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા
આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા

ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંક
મંદાક્રાન્તા વડે આળખી શબ્દ-છંદની ઠેક
સમીર ચીતર્યા, પર્ણ પર્ણની ચીતરી મર્મર ગહેંક
વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ

પળ બે પળની ઝળહળ લઇ વરસાદ ચીતરવા બેઠા
જીવવું મરવું કોમળ લઇ વરસાદ ચીતરવા બેઠા

-ભગવતીકુમાર શર્મા

સ્વર : અમર ભટ્ટ

સ્વરાંકન : રાસબિહારી દેસાઈ