ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે
ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મના નો અનુભવ;
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એક એની રજાનો અનુભવ….

હરણ તરસે મારું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો લોકો
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો હતો ઝાંઝવાનો અનુભવ….

મને થોડી અગવડ પડી રહીતી એથી, ‘ફના’ ઘર બદલતાં ઘર બદલીજ નાખ્યું
પરંતુ નવા ઘરમાં સામાન સાથે, મેં બાંધ્યો છે જુની જગાનો અનુભવ…

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ

-જવાહર બક્ષી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય