વા બનું, વાદળ બનું, વર્ષા બનું કે શું બનું?
આયખાની એક ઈચ્છા હું હવે તો હું બનું.

હોય મારા ભાગ્યમાં તો હોય એ તારી તરસ.
રણ બનું, રેતી બનું, મૃગજળ બનું કે લૂ બનું

યાદના તંતુ વણીને તું ઝગાવે જો મને,
ઘી બનું, દીવી બનું, ‘ને તરબતર હું રૂ બનું.

આરસીની આંખમાં મારી હયાતી શોધવા.
ધ્યાનથી જો જોઉ તો હું ‘હું’ મટીને તું બનું.

એ અલગ વાત છે હું શૈતાન કે સાધુ બનું.
આજ અંદર *બહારથી બસ એક સરખો હું બનું.

– દર્શન ત્રિવેદી

Sharing is caring!