અમારા જીવનની છે વાતો નિરાલી,
છલોછલ છે આંખોને દૃષ્ટી છે ખાલી,

સિતમ કૈંક એવા ગુજર્યા કહું શું?
ને કોઈ મિત્રે આંગળીયે ન ઝાલી,

જલે સાહ્યબી જોઈ, ક્યાં કૈં એ જાણે?
ભર્યા જામ છે પણ જીવન ખાલી-ખાલી.

નજરની જ સામે એ સૌ મુરઝાયાં,
હ્રદયપુષ્પ જેના અમે ખુદ માળી,

અમે જે ઘડ્યાં’તાં એ શીલ્પો અમોલાં,
‘ગઝનવી’ એ કાળે દીધાં સૌને ઢાળી.

હ્રદયરક્ત પાઈ અમે જે ઉછેરી,
લતા લાગણીની છે એણે જ બાળી.

રિસાઈને ચાલ્યાં હ્રદયખંડવાસી,
અમે ખુબ મથ્યા પણ શક્યા નહી જ વાળી.

ઝખમથી જ ઝુરતા આ ‘ઝંખન’ન જોઈ,
જુઓ દુશ્મનો લે છે આનંદતાળી.

– ‘ઝંખન’ રચના તા.૨૦/૧૦/૨૦૦૧

છંદ બંધારણ – લગાગા લગાગા લગાગા લગાગા

૨૦૦૧ના ધરતીકંપમાં પોતાની એકની એક લાડકી દીકરી ગુમાવી બેઠેલા પિતાની વ્યથાને આ ગઝલમાં ઠાળવાનો આ ઉત્તમ પ્રયાસ આપની સમક્ષ છે. ભલે આ ગઝલ લખતાં લખાઈ ગઈ પણ આ એક સત્ય ધટના પર આધારીત છે જેમાં શંકાને કોઈ સ્થાન નથી. અમદાવાદમાં ભુકંપનો સૌપ્રથમ શિકાર આ બાળા બની હતી.