વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં
May 05
ગઝલ Comments Off on વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં
[wonderplugin_audio id=”674″]
વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.
પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.
કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.
આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.
મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.
ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.
– હિતેન આનંદપરા
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : આલાપ દેસાઈ