આપણે જ આપણું મનગમતું નામ કદી
May 07
ગીત Comments Off on આપણે જ આપણું મનગમતું નામ કદી
[wonderplugin_audio id=”676″]
આપણે જ આપણું મનગમતું નામ કદી
હોઠ લગી આવવા ન દીધું,
આપણે જ પાણીના પરપોટે સંબંધો
બાંધવાનું કામ લઈ લીધું.
ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની
દરિયામાં ઊંડે જઈ જોડતી.
સંબંધો રાખવા તો માછલીની જેમ
એ પાણીને કોઈ દી ન છોડતી,
વારતામાં હુંય છું ને વારતામાં તુંય છે ને
મળવાનું તોય નહીં સીધું ?
આપણે જ આપણું મનગમતું નામ કદી
હોઠ લગી આવવા ન દીધું.
આંસુનું ધોધમાર ચોમાસું આજ તો
આંખોની બ્હાર ધસી આવતું,
તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને
મારામાં કેમ નથી ફાવતું ?
એવું મેં પૂછ્યું તો ય વિતેલા દિવસોએ
ઉત્તરમાં કંઈ જ નહીં કીધું.
આપણે જ પાણીના પરપોટે સંબંધો
બાંધવાનું કામ લઈ લીધું.
– તેજસ દવે.
સ્વર :નયન પંચોલી
સ્વરાંકન :નયન પંચોલી