સુખના વનમાં દુ:ખના વનમાં અહો – અરે કઠિયારા રે.
સપનાંઓની ભારી બાંધી દિવસે જોતાં તારા રે,

માથા ઉપર ભારી મૂકી પગને તળિયે ભાર રે .
લખચોરાશીના ચક્કરમાં ફેરા વારંવાર રે.

દુ:ખ વળગે છે સુખ સળગે છે, ઊડે છે અંગારા રે;
સુખના વનમાં દુ:ખના વનમાં અહો – અરે કઠિયારા રે.

કોઈ નથી આરોઓવારો ક્યાં મૂકવાનો ભારો રે ?
સાથ નથી સંગાથ નથી ને કોઈ નથી સધિયારો રે.

અમે અમારા નહીં રહ્યા કે નહીં રહ્યા તમારા રે;
સુખના વનમાં દુ:ખના વનમાં અહો – અરે કઠિયારા રે.

-કિશોર શાહ

સ્વર : દિતી અને કૃશાનુ મજમુદાર
સ્વરાંકન : કૃશાનુ મજમુદાર