વહાલપ નું નામ એ તો મધમીઠું નામ
એને બોલું તો કેમ કરી બોલું
ઉરનું આ દ્વાર એ તો પ્રીતમ નું ધામ
એને ખોલું તો કેમ કરી ખોલું

તમે બોલ્યા જ્યાં નામ હું તો ભૂલી પડી
હુ તો સમણામાં ક્યાંય ક્યાંય ઘૂમી વળી
અરે મનથી એ નામ મીઠું ચૂમી વળી
સોના નું નામ મારું પાડેલું નામ
એને બોલું તો કેમ કરી બોલું

મારા મનની મંજૂષા ની મોંઘી મૂડી
કોઈ બોલે જ્યાં નામ મારી ખનકે ચૂડી
મને પાંખો ફૂટે અને હું તો જાઉં ઉડી
મારા મનના ગોકુળીયામાં નટખટ નું નામ
એને બોલું તો કેમ કરી બોલું

  • સુધીર દેસાઈ

સ્વર : પૌરવી દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઇ ( મુંબઈ )

.