પીઠી ચોળી લાડકડી!
May 13
ગીત Comments Off on પીઠી ચોળી લાડકડી!
[wonderplugin_audio id=”691″]
પીઠી ચોળી લાડકડી! ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને કરમાં કર સોંપ્યા લાડકડી!
મીઠી આવો લાડકડી! કેમ કહું જાઓ લાડકડી!
તું શાની સાપનો ભારો? તું તુલસીનો ક્યારો લાડકડી!
ચરકલડી ચાલી લાડકડી, રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા; એવી તારી માયા લાડકડી!
સોડમાં લીધાં લાડકડી! આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને પારકાં કીધાં લાડકડી!
-બાલમુકુંદ દવે
સ્વર : પૌરવી દેસાઈ
સ્વરાંકન : રજત ધોળકિયા