સાંવરિયા… ઓ…. સાંવરિયા
રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા.
રાધિકાની આંખ જપે છે,સાંવરિયા ઓ સાંવરિયા.

ઉજળો દિવસ શ્યામ થયો ને,રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને,કરે હૃદયની વાત,
ભરી ભરીને ખાલી ખાલી,કરતી ગોપી ગાગરિયા…

મુરલીના સૂર કદંબ વૃક્ષે,ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં,કમળ થઈને ખૂલે, કુંજગલીમાં ધૂળ રેશમી,તોય કઠે કેમ કાંકરિયા….

-સુરેશ દલાલ.

સ્વર : હંસા દવે
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય