હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહિ!
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહિ!

ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બંધથી,
દિલ જે ઉઠ્યું રોકાય ના! એ વાત છોડો કેદની!

સૌ ખુશ રહો જેમાં ખુશી! હું જ્યાં ખુશી તે હું કરું!
‘શું એ હતું? શું આ થયું?’ એ પૂછશો કોઈ નહિ!

પેદા કર્યો’તો ઇશ્ક ત્યાં ના કોઈને પૂછ્યું હતું;
એ ભૂંસવા જો છે ખુશી તો પૂછવું એ કૈં નથી.

આ ચશ્મ બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા,
તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહિ.

મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો!
હું જ્યાં દટાઉં ત્યાં ફૂલોને વેરશો કોઈ નહિ!

શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી!
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહિ.

-કલાપી

સ્વર : કૃશાનું મજમુદાર
સ્વરાંકન : નવીન શાહ