વહાલમ, તારી આંખલડીમાં ઊડે રંગકુવારા
તારી ચુંદડીના તરસ્યા રહે તુનારા
રંગ હેલી (૨) રંગ હેલી (૨)

ક્યાંથી આવે ઝીણા ઝીણા ઝાંઝરિયાના બોલ
ક્યાંથી આવે કાલા કાલા કાળજડાના કોલ
આવે ક્યાંથી રે અણસારા, લાગે ક્યાંથી રે પલકારા
મારા મનની વાત મને તો લાગે ગાલાવેલી… રંગ હેલી

ગયા વિના હું ગઈ વૃંદાવન, ફૂલે રમે છે ફાગ
ગોકુળની ગોપીને સરખાં રાગ અને વૈરાગ
આવે ક્યાંથી એ અણસારા, લાગે ક્યાંથી રે પલકારા
ઘરની બહાર જવાની ઘડીએ મને ડરાવે ડેલી.. રંગ હેલી

આકાશી આલિંગન વચ્ચે, રૂપ શરદની રાત
કંદબની ઝુલે છે ઝુમ્મર, ઝોલાં લેતી વાત !
આવે ક્યાંથી એ અણસારા, લાગે ક્યાંથી રે પલકારા
જોબન દરિયો, જોબન નૌકા, જોબનિયું છબેલી… રંગ હેલી

વન વીંધીને, મન વીંધીને આવે ક્યાંથી સૂર
કોણ મને પાસ બોલાવે, કોણ ધકેલે દૂર
આવે ક્યાંથી એ અણસારા, લાગે ક્યાંથી રે પલકારા
મારું તો ઘર છોડ્યું, તારી જડતી નથી હવેલી… રંગ હેલી

સ્વર : પૌરવી દેસાઈ

સ્વરાંકન : દિલીપ ધોળકિયા