પનઘટે છલકાતી ગાગર સાંભરે
May 29
ગીત Comments Off on પનઘટે છલકાતી ગાગર સાંભરે
[wonderplugin_audio id=”773″]

પનઘટે છલકાતી ગાગર સાંભરે;
દી’ ઊગે ને રોજ સહિયર સાંભરે.
છેડલો ખેંચી શિરામણ માંગતો;
વાસીદું વાળું ને દિયર સાંભરે.
ત્રાડ સાવજની પડે ભણકારમાં;
રાતના થરથરતું પાધર સાંભરે.
ઢોલિયે ઢાળું હું મારો દેહ ને;
બાથમાં લૈ લેતી નીંદર સાંભરે.
સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,
આંખડી મલક્યાનો અવસર સાંભરે.
કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું;
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.
તાણ ભાભુજીએ કીધી’તી નકર;
કોણ બોલ્યું’તું કે મહિયર સાંભરે ?
માં ! મને ગમતું નથી આ ગામમાં
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે!
-નયન દેસાઈ
સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ