એકે ડાળે પાન નથી, આ કેવા દિવસો આવ્યા છે
કોઈ ગળામાં ગાન નથી, આ કેવા દિવસો આવ્યા છે

રાત-દિવસ એ માત્ર ફૂલોની લેવડદેવડ કરશે પણ
ફોરમની પહેચાન નથી, આ કેવા દિવસો આવ્યા છે

વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં
જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે

કાં તો એ હથિયાર હશે અથવા એ હથિયાર હશે
ચહેરા પર મુસ્કાન નથી, આ કેવા દિવસો આવ્યા છે

ઝાંખુપાંખું બે ક્ષણ ચમકે એને દુનિયા પૂજે છે
સૂરજનું સન્માન નથી, આ કેવા દિવસો આવ્યા છે.

-ડૉ. હેમેન શાહ

સ્વર : વિરાજ અને બીજલ
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય