કેટલાં    હૈયાં   મહીં   કીધો   વિસામો,  દોસ્તો !
યાત્રીએ    જોવાં   મજાનાં   તીર્થધામો,  દોસ્તો.

સંસ્મરણનાં પુષ્પો  હું  સૂંઘી  રહ્યો,  વાંચી  રહ્યો;
પાંદડીઓ  પર હતાં અગણિત   નામો,  દોસ્તો !

હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઈને  લહેર;
પાંપણે  બિંદુ  બની   ક્યારેક   ઝામો,   દોસ્તો !

મારી દુનિયામાંય  ધરતી છે, ને  અવકાશ  પણ,
પગ  મૂકો,  પ્રગતિ કરો, વિસ્તાર પામો  દોસ્તો !

પ્રેમ   જેવા  શસ્ત્રથી  ઘાયલ  થવું    સહુને  ગમે,
એ  ગમે   ત્યાં ને  ગમે  ત્યારે  ઉગામો,   દોસ્તો !

–ગની દહીંવાલા

સ્વર : બિરેન પુરોહિત
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા