સાવ અચાનક મુશળધારે, ધોધમાર ને નવ લખધારે,
આ વાદળ વરસે છે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા
કુંતલ કંઠે આવકારના પ્રિતગીત નભમાં લહેરાયા
ઉત્કટ મિલનની પ્યાસ લઇને, આલીંગન અણમોલ દઇને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઇએ, ભીંજાઇને ભંજાવા દઇએ
આજ કશું ના કોઇને કહીએ, મોસમ છે તો વરસી રહીએ
તરસ તણા ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખુલીને
હવે કોઇ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

-તુષાર શુક્લ

સ્વર : સોલી કાપડિયા
સ્વરાંકન :સોલી કાપડિયા