સખી ગમતો ગુલાલ આજ સામો મળ્યો
ને મારે હૈયે રચાઇ રંગોળી
મારગમાં રંગ રંગ ટહૂકા ખર્યા
ને મેં તો જાણ્યું કે આવી ગઈ હોળી

કેસૂડો ફટાયો ફાગણ આયો, લાયો હોલી રિ
રંગ ભરી ચૂનરી ઉમંગ ભરી ચોલી રિ…

સખી,મનનો માનેલ છેલ છલકે ગુલાલ
મને વ્હાલાએ રંગમાં ઝબોળી
વાસંતી વાયરાએ માંડ્યું તોફાન
અને ફૂલોની રંગ પ્યાલી ઢોળી

અંગમાં અનંગ રંગ રાગ ગાયે હોલી રિ
રંગ ભરે અંગ રે ઉમંગભરી હોલી રિ

સખી, કૂણેરા કાળજામાં કંકૂ ઢોળાણા ને
કલરવની કૂંપળો કોળી
ઉમટે છે ઓઢણીમાં ઘેન ભરી ડમરી ને
આંખો આ કેસૂડે ઘોળી

ચંગ ને મૃદંગ બજે રંગ રસ હોલી રિ
અંગમાં ઉમંગ ભરે રંગ રસ હોલી રિ

-તુષાર શુક્લ

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ