કોરી હથેળીઓમાં મ્હેંદીની ભાત
આજ રૂડી રઢિયાળી આવી રાત રે
ઝરે આભથી ચાંદની ચંદન રે
મને મહિયર રોકાવાનું મનરે…

આજકાલ કરતામાં આવી ગયો છે
આજ, લગ્ન નો દા‘ડો સાવ, ઢૂંકડો
જોતા જોતામાં તો દિવસો વીત્યા
કે જાણે, ઓગળતો સાકરનો ટૂકડો
મારી ઓઢણીમાં ઘેર્યું ગગન રે
મને મહિયર રોકાવાનું મન રે…..

ઓચિંતું આજ મારાં પગલાંને થાય
લઉં દાદાનાં આંગણામાં દોડી
કહી ના શકાય તોય મનમાંહે થાય
થાય લગનની તારીખન મોડી?
રાહ જોય કરે છો સાજનરે
મને મહિયર રોકાવાનું મન રે…..

ગોર્યમાને પૂજ્યા મેં પાંચે આંગળીએ
ત્યારે પામી છું સાજન
રૂદિયાનો રાજા તું, રૂદિયાની રાણી હું
સાથે માણીશું જીવન,
જાઉં સાસરિયે સંગે સાજનરે
ભલે મહિયર રહેવાનું થાય મન રે…..

-તુષાર શુક્લ

સ્વર : ડો સાવની શાહ
સ્વરાંકનઃ માલવ દિવેટિયા
સૌજન્ય :માલવ દિવેટિયા

Sharing is caring!