હું તો પહેલા વરસાદથી ભીંજેલી
Aug 01
ગીત Comments Off on હું તો પહેલા વરસાદથી ભીંજેલી
[wonderplugin_audio id=”879″]
હું તો પ્હેલા વરસાદથી ભીંજેલી હો રાજ,
મારે જાવું ક્યાં જાવું રે બોલ?
જોઉં તો ભાનસાન પાણી વિના ય
તૂટી પડતા વરસાદ સમાં લાગે
ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ રાજ,
મારો સહવાસ મને વાગે
ચોમાસું બેસવાને આડા બે ચાર માસ
તોય પડે ધોધમાર હેલી….
હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ?
હું રે ઉનાળાની સાંકડી નદી ને
તમે મારામાં આવેલું પૂર
ઝાડથી વછોઈ કોઈ ડાળખીને જાણે કે
પાંદડાંઓ ફૂટ્યાં ઘેઘૂર
ભીનોચટ્ટાક સાદ પાડે રે મોર પછી
ખોલું કે બંધ કરું ડેલી?
હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ?‘-
-રમેશ પારેખ
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન :ક્ષેમુ દિવેટીઆ
સૌજન્ય : સંજય રાઠોડ, સુરત