તારા વિરહમાં ઝૂરી
Aug 09
ગઝલ Comments Off on તારા વિરહમાં ઝૂરી
[wonderplugin_audio id=”888″]

તારા વિરહમાં ઝૂરી રહી વાંસળી રે લોલ !
ભવભવથી મારી શેરી તો સૂની પડી રે લોલ !
ખીલી સરોવરે ન શકી પોયણી રે લોલ !
હીબકાં ભરે છે મૂંગી મૂંગી ચાંદની રે લોલ !
સ્મરણો ગળીને સરકી ગઇ માછલી રે લોલ !
ખાલી શકુન્તલાની પડી આંગળી રે લોલ !
“કંકુભરેલી કોઇની પગલીઓ ક્યાં ગઇ ?”
ઉમ્બરને બારસાખ આ પૂછી રહી રે લોલ !
કાંઠે પડયો ઘડૂલો કો’ તૂટેલા સ્વપ્ન શો;
વહેતી રહી છે આંખથી ઇચ્છાનદી રે લોલ !
તારા સુધી પહોંચે આ વાવડ કઈ રીતે ?
આકાશમાં તો એક્કે નથી વાદળી રે લોલ !
જંપી ગઇ છે હીંચકે રણઝણતી ઘૂઘરી;
શ્વાસોનો આ હિલોળ ઘડી બે ઘડી રે લોલ !
-ભગવતી કુમાર શર્મા
સ્વરઃ અનવી વાહિયા
સ્વરાંકન : ઉદયન મારુ
પિયાનો : રિયા ખારોડ
ગીટાર : રિમતુ ખારોડ
સૌજન્ય : ભવન્સ