સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.

ગોકુલ મથુરાને દ્વારિકાની રજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.
એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.
સખી મધરાતે એકવાર..

ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.
ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.
સખી મધરાતે એકવાર..

-ભાસ્કર વોરા

સ્વર : નયન પંચોલી
સ્વરાંકન :નયન પંચોલી