ડો પરેશ સોલંકી

સાવ કોરા આકાશમાં કાળું ડીબાંગ ઉર છાનું ને છપનું રોવે,
લીલીછમ આખ્યુંમાં રાતા ઉજાગરાને પાપણની છાલકથી ધોવે,

ખેતરનો ચાડીયો નફફટ થઇ ઉભો તે દી’આખ્ખો આમ મને ખીજવે,
લસલસતા મોલમાં છે વ્હાલનું પૂર પણ તારા વિણ કોણ હવે ભીંજવે.

ઓઢણી પર ટાકેલા મોરલાઓ ટહુકી ટહુકીને તારી વાટ આમ રોજ રોજ જોવે.
લીલીછમ આંખ્યુંમાં રાતા ઉજાગરાને પાપણની છાલકથી ધોવે

આથમતા સુરજને સંગ સંગ આથમે છે અંગોના વરણાગી સૂર,
વગડાનાં મારગને તાકું છું, બોલ તારો પગરવ છે કેટલોક દૂર.

ખેંચી ખેંચીને સઈ ઘમ્મર વલોણું મારા હૈયાના શમણા વલોવે,
લીલીછમ આખ્યુંમાં રાતા ઉજાગરાને પાપણની છાલકથી ધોવે

-ડો.પરેશ સોલંકી.

સ્વર :માયાબેન દીપક.
સ્વરાંકન : માયાબેન દીપક.