ફૂલ કહે ભમરાને
Sep 28
ગીત Comments Off on ફૂલ કહે ભમરાને
[wonderplugin_audio id=”977″]
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી!
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
– હરિન્દ્ર દવે
સ્વર: હેમાબેન દેસાઈ