સુની સમંદર પાળે મળજે
અથવા રણની ભાળે મળજે.

ચમકી ઉઠશે અગ્નિ પુષ્પો
વડવાનલ ની ડાળે મળજે

ભસ્મકણી લઈ પાછો આવીશ
તું પૃથ્વીની નાળે મળજે .

કોઈ કશે નીરખે નહીં ત્યારે
તેજ તિમિર ના તાળે મળજે .

સાવ અટૂલી એકલ મળજે
ઓ વ્યથા હરકાળે મળજે .

વસ્ત્ર તિમિરનું હડસેલીને
સૂર્યકિરણ ની સાળે મળજે .

કોઈ હથેળીમાં ઘર બાંધીને
એના ઊંચા માળે મળજે

-મહેન્દ્ર જોશી

સ્વર : નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ